હાલમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કડક પગલાં લીધા છે અને શ્રીલંકન ક્રિકેટ (SLC) ને સસ્પેન્ડ કરી દીધું છે. ICCનો આ નિર્ણય શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ આવ્યો છે. ઠરાવમાં શ્રીલંકા ક્રિકેટને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ટેકો આપ્યો હતો. ICC એ તારણ કાઢ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે તેની તમામ બાબતોને સ્વતંત્ર રીતે સંચાલિત કરવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શાસન અથવા વહીવટમાં કોઈ સરકારી દખલગીરી ન હોય.
જ્યાં સુધી ICC શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પરનો પ્રતિબંધ હટાવે નહીં ત્યાં સુધી શ્રીલંકા ICCની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. જો કે, સારી વાત એ છે કે ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમની તમામ મેચો ખતમ થઈ ગયા બાદ ICCએ આ કાર્યવાહી કરી છે, તેથી વર્લ્ડ કપના શેડ્યૂલ પર તેની કોઈ અસર નહીં થાય. જોકે, પ્રતિબંધના કારણે શ્રીલંકાના ભાવિ પ્રવાસ કાર્યક્રમને અસર થઈ શકે છે.
સરકારે ક્રિકેટ બોર્ડમાં દખલગીરી કરી હતી
શ્રીલંકાની સરકારે 6 ઓક્ટોબરે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)ને વિસર્જન કર્યું હતું. શ્રીલંકાના પ્રશંસકોએ ક્રિકેટ બોર્ડના મુખ્યાલયની સામે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકાની સરકારે બોર્ડને ભંગ કર્યા બાદ પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાની અધ્યક્ષતામાં વચગાળાની સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે, બાદમાં કોર્ટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું.