ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત,વાંચો સંપૂર્ણ ન્યુઝ

ધોરણ એક થી આઠ સુધીની તમામ ગુજરાતી કે અંગ્રેજી શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવામાં માટેનો વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર.

ધોરણ ૧ થી ૮ સુધીની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત.
ગુજરાતી શિક્ષણ ફરજિયાત

તાજેતરમાં જ વિધાનસભા ગૃહમાં લાંબી ચર્ચાઓ બાદ ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ વિધેયક 2023 ને સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યો છે. આ વિધેયક પસાર થવાને કારણે ગુજરાતની તમામ સરકારી કે ખાનગી શાળાઓમાં કે પછી ગુજરાતી કે અંગ્રેજી શાળાઓમાં ગુજરાતી વિષયને ફરજિયાત ભણાવવામાં આવશે. નાના બાળકોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ કેળવાય તે માટે વર્ષ 2009માં પણ સરકારે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરી હતી જે એક પ્રકારે માતૃભાષાના સંવર્ધનનો જ પ્રયાસ હતો.

વિધેયકની જરૂરિયાત

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવા અંગે વર્ષ 2018 માં જ એક GR થયેલો હતો. પરંતુ તેમ છતાં ઘણી બધી ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં આ પરિપત્રનો અમલ કરવામાં આવી રહ્યો ન હતો, અને ગુજરાતી વિષયને ભણાવવામાં આવી રહ્યું ન હતું, જેને અનુલક્ષીને હાલ વિધાનસભા ગૃહમાં આ બીલ લાવવાની જરૂરિયાત પડી હતી.

ગૂજરાત બજેટ ૨૦૨૩ ની pdf અહીથી Download કરો

ધારા સભ્યોનો ગૃહમાં હલ્લાબોલ

વિધાનસભા ગૃહમાં લાંબી ચર્ચા બાદ ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાના મત પર કોંગ્રેસે પણ આ બિલને સમર્થન આપ્યું હતું. પરંતુ એકા એક માતૃભાષા પ્રત્યે જાગેલા માતૃપ્રેમ પ્રત્યે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષમાં આ સરકારને માતૃભાષા ભણવાનું સૂચવ્યું નહીં તો રાતોરાત જ કેમ આ બિલ લાવવું પડ્યું ? તેના જવાબમાં જ તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ હવે જાગી ગયા છે અને હાઇકોર્ટની ફટકાર બાદ આ વિધેયક લાવવાની તેઓને ફરજ પડી છે. એ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માં પણ ગુજરાતી વિષયને ફરજિયાત ભણાવવો જોઈએ. સાથે તેઓએ ગુજરાતી ન ભણાવવા બદલ દંડની જોગવાઈમાં વધારો કરવા પણ સૂચન કર્યું હતું.

આ પણ વાંચો  પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

શું છે વિધેયકમાં જોગવાઈ ?

કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડીંડોરે જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર માતૃભાષાના સંવર્ધન માટે પહેલેથી જ જાગૃત છે વર્ષ 2009માં વાંચે ગુજરાત અભિયાન પણ માતૃભાષાના સંવર્ધનનો જ એક ભાગ હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૧૩/૦૪/૨૦૧૮ નો જીઆર થયા બાદ રાજ્યની કુલ 4520 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ માંથી ફક્ત 14 જેટલી શાળાઓ જ આ પરિપત્રનો અમલ કરતી ન હતી.

વધુમાં કુબેરસિંહ ડિંડોરે આ વિધેયક અંગે જણાવ્યું હતું કે, આ વિધેયકમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક જ ભણાવવાના રહેશે. તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ શાળાકીય શિક્ષણમાં પ્રથમ ભાષા પ્રધાન્ય તરીકે માતૃભાષા જ હોવી જોઈએ જેમનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, 2020,તેમજ કોઠારી કમિશનમાં પણ ભલામણ કરવામાં આવી છે. તેવી જ રીતે ગુજરાતની તમામ શાળાકીય પ્રવૃત્તિઓમાં અને શિક્ષણમાં પ્રથમ ગુજરાતી ભાષાને જ પ્રાધાન્ય મળવું જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સીબીએસસી, એસજીબીએસસી જેવી શાળાઓ સાથે સંલગ્ન પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો થયેલો છે, જેનું માધ્યમ અંગ્રેજી છે, અને આવી શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી ન હોવાને કારણે બાળકો પોતાની માતૃભાષાના શિક્ષણથી જ વંચિત રહી જાય છે.

વિધેયકનો ભાગ કરવા બદલ સ્કુલોને કેટલો દંડ ?

ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અભ્યાસ 2023 માં ધોરણ 1 થી 8 માં ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ પણ સ્કૂલ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો સદરહુ બિલમાં નીચે મુજબની કડક જોગવાઈઓ સામેલ કરવામાં આવેલ છે, જેમકે એક મહિનામાં પ્રથમ વાર આદેશનો ભંગ કરનારી શાળાને રૂપિયા 50,000 બીજી વાર આદેશનો ભંગ કરવા બદલ એક લાખ અને ત્રીજી વાર પણ આ આદેશનો ભંગ કરવા બદલ અને અમલવારી ન કરવા બદલ બે લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત બહારના નિવાસી અને હાલ ગુજરાતમાં રહેતા અને ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના વાલીની લેખિત સંમતિ પર શાળા તેઓને મુક્તિ આપી શકશે.