ભારતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું: કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, આવતીકાલે બોલાવી તાબડતોબ બેઠક

કોરોના ઈઝ બેક.. દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે. ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે.

મળતી જાણકારી અનુસાર મનસુખ માંડવિયાએ દરેક રાજ્યો\કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ડિજિટલ રીતે સમીક્ષા બેઠક કરશે. આ બેઠક બોલાવવા પાછળનું કારણ એ છે કે કેરળમાં કોરોનાના કેસની સાથે મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રને મોકલવામાં આવેલા ડેટા અનુસાર કેરળમાં કોરોનાના દૈનિક કેસ એક સપ્તાહમાં લગભગ ત્રણ ગણા થઈ ગયા છે. જ્યારે 1 થી 17 ડિસેમ્બર સુધીમાં 10 લોકોના મોત થયા હતા. સરકારની ચિંતા નવા સબ-વેરિઅન્ટ JN.1 વિશે છે, જે તાજેતરમાં કેરળમાં 79 વર્ષીય મહિલામાં જોવા મળ્યું હતું અને આ કોરોનાનું સૌથી નવું સ્વરૂપ છે, જે સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે.

દેશમાં કોરોના મહામારીનો ફરી એકવાર પગપેસરો

સિંગાપોર, અમેરિકા અને ચીન સહિત અનેક દેશોમાં તબાહી મચાવ્યા બાદ તેના નવા વેરિઅન્ટ JN-1એ દેશમાં પણ દસ્તક આપી છે. કેરળમાં આ નવા પ્રકારની પુષ્ટિ થયા પછી, કોરોનાના કેસ વધવા લાગ્યા છે. બીજી તરફ કર્ણાટક સરકારે માસ્ક પહેરવાની સલાહ આપી છે. મહામારીની વધતી જતી શક્યતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ પર રહેવા જણાવ્યું છે. તેમજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે.

Leave a Comment