ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને પહોચી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.
સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો
સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે.
આ ભાવમાં ઘટાડા પાછળનું કારણ શું છે?
આ વખતે વરસાદ સારો પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારી માત્રામાં થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને તેનો સીધો અસર સીંગતેલના ભાવમાં પડી રહ્યો છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી સુધી ખાદ્ય તેલની કિંમતમાં આવો ઘટાડો જોવા મળતો રહેશે. એટલે કે દિવાળી પર ગૃહિણીઓને નાસ્તા બનાવવામાં રાહત રહેશે.