હવે 5G પછી 6G ના કાઉન્ટડાઉન શરૂ, દેશમાં શરૂ થઈ 6G લેબ

ભારત ઈન્ટરનેટ ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં 5G લોન્ચ થયાને માત્ર એક વર્ષ જ થયું છે. ટેલિકોમ કંપનીઓ ઝડપથી દેશના દરેક ખૂણે 5G સેવાઓ પૂરી પાડી રહી છે અને સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, 5G પછી ભારતે 6G માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં તેની ગ્રોથ સ્ટ્રોંગ કરવા માટે ભારતે તેની પ્રથમ 6G લેબ શરૂ કરી છે. નોકિયા દ્વારા બેંગલુરુમાં દેશની પ્રથમ 6G લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું છે.

6G લેબનો ફાયદો શું છે?

ફિનિશ કંપની નોકિયા દ્વારા શરૂ કરાયેલી 6G લેબનો હેતુ ભારતમાં 6G ટેક્નોલોજીની મૂળભૂત ટેક્નોલોજી તૈયાર કરવાનો છે. જાણકારી અનુસાર, નોકિયાની આ 6G લેબ ગ્લોબલ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરશે. આ લેબ શરૂ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયાએ દરેક ભારતીયના જીવન પર ભારે અસર કરી છે. ભારતને ઈનોવેશનનું હબ બનાવવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય વિઝન છે અને આ માટે ભારતમાં જ નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવે તે જરૂરી છે અને 6G લેબનું ઉદઘાટન એ આ દિશામાં એક મોટું પગલું છે.

શું કહ્યું કેન્દ્રીયમંત્રીએ ?

આવનારા દિવસોમાં ઔદ્યોગિક ક્ષેત્રની સાથે-સાથે ઘણા મોટા ક્ષેત્રોમાં 6G ટેક્નોલોજી મોટી ભૂમિકા ભજવશે અને તેના દ્વારા ઘણી જરૂરિયાતો પૂરી થશે. આ ટેક્નોલોજીની મદદથી સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં મોટા ફેરફારો જોવા મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 6G ટેકનોલોજી ભારતના વિકાસમાં એક નવો સીમાચિહ્નરૂપ સાબિત થશે.

Leave a Comment