ડાન્સ, જિમ કે ગરબામાં કેમ આવે છે અચાનક હાર્ટ એટેક? કારણ આવ્યું સામે

લગ્નમાં ડાન્સ, જીમમાં વર્કઆઉટ કે ગરબા ડાન્સ જેવી એક્ટિવિટી દરમિયાન યુવાનોના મોતે લોકોમાં ચકચાર જગાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. આ કારણે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોરોનાની રસી લેનારા લોકો સાથે આવી ઘટનાઓ વધુ બની રહી છે. જો કે ગત સપ્તાહે આઈસીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં આ પ્રકારની તમામ અટકળોને ફગાવી દેવામાં આવી છે. અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કોરોનાની રસી અચાનક મૃત્યુનું કારણ નથી.

અચાનક મોતનું શું કારણ

આઇસીએમઆર સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન એ અચાનક મોતનું કારણ નથી પરંતુ કોરોના ચેપમાં હોસ્પિટલમાં દાખલ થવું અથવા મોટા પાયે દારૂ પીવો અને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવું વગેરેને કારણે અચાનક મોત થઈ શકે છે. વેક્સન અને અચાનક મોતની વચ્ચે કોઈ સંબંધ નથી. ડોક્ટરની સલાહ વિના પ્રતિબંધિત અથવા લાઇસન્સ વિનાની દવાઓ લેવી જીવલેણ છે અને તે લેવી કે ન લેવી તે તમારા હાથમાં છે.આ રીતે જીવનશૈલી સાથે જોડાયેલી આ બે સાવધાનીઓ રાખીને અચાનક મોતથી પણ બચી શકાય છે. કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ એટેક જેવી સમસ્યાઓ પણ યુવાનોમાં જોવા મળી છે. તાજેતરમાં જ જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે 19 વર્ષીય યુવકનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ગરબા વખતે અનેક લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. આ પરથી એવી અટકળો વહેતી થઈ હતી કે કોરોના વેક્સિનને કારણે અચાનક મોતમાં વધારો થઈ રહ્યો છે પરંતુ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.

729 કેસો પરથી અપાયું તારણ

આઈસીએમઆરની ટીમે તેમના અભ્યાસ માટે કુલ 729 કેસોનો અભ્યાસ કર્યો હતો. આ તમામ લોકો 18 થી 29 વર્ષના હતા અને તેમને કોઈ ગંભીર બીમારી નહોતી. આના પરથી એવું જણાવાયું હતું કે અચાનક મોતને કોરોના વેક્સન સાથએ કોઈ સંબંધ નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જો કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તેમણે એક-બે વર્ષ સુધી વધારે મહેનત ન કરવી જોઈએ. આવા લોકોએ હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઈઝ કરવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આવી સ્થિતિમાં કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.

Leave a Comment