14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 3 રાજ્યમાં બરફવર્ષા, કાળઝાળ ગરમી વચ્ચે નવી આફત

હવામાન વિભાગ દ્વારા 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 રાજ્યમાં હિમવર્ષા થઇ શકે છે. ઝારખંડના ઉત્તર ભાગમાં લો પ્રેસર સર્જાયુ છે જેની અસર મણિપુર સુધી થઇ શકે છે. જ્યારે બીજુ લો પ્રેસર મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરે ઉત્તરપૂર્વ ઝારખંડ પર સ્થિત છે. જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 26મી સુધી વાતાવરણની આ સ્થીતી રહેશે. આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ માટે હવામાનની આગાહી

IMDએ 22થી26 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD એ પણ કહ્યું છે કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ તેમજ કેરળમાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. પહાડી વિસ્તારોમાં હજુ પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. આ સિવાય દેશના જુદા જુદા હિસ્સાઓમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જે આગામી 26મી માર્ચ સુધી અસર જોવા મળશે. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 26 માર્ચ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં 22 માર્ચે વરસાદ પડશે. હિમવર્ષાને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં કરા પડવાની શક્યતા

22 થી 24 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં 22 માર્ચે પણ કરા પડવાની શક્યતા છે. IMD એ જણાવ્યું કે ગુરુવારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ બિહારના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 9-12 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. જ્યારે ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ આસામમાં તે 7-9 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. IMDના રિપોર્ટ અનુસાર, પૂર્વ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ વિદર્ભ, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તે 2-4 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું છે.

આ પણ વાંચો  અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે કરી શકશે દર્શન? ક્યારે પૂર્ણ થશે નિર્માણ કાર્ય?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6-8 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર હરિયાણામાં તે 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. IMDએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન રાયલસીમા, કેરળ, માહે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હિટવેવની આગાહી છે.

Leave a Comment