IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર

IPL 2023 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. ધોનીની આગેવાની હેઠળની CSK ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. CSK અને RCB વચ્ચેની ટક્કર પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે જેમાં બોલિવૂડની ફ્લેવર જોવા મળશે. આવો અમે તમને જણાવીએ કે સમારોહમાં કોણ પરફોર્મ કરશે?

જાણીતા કલાકારો પરફોર્મ કરશે

IPL દ્વારા બુધવારે ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મર્સ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રંગારંગ કાર્યક્રમમાં ચાર જાણીતા કલાકારો પરફોર્મ કરશે. આ યાદીમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું નામ છે. બંને પોતાના ડાન્સથી ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરશે. તમને જણાવી દઈએ કે આવતા મહિને ઈદના અવસર પર રિલીઝ થનારી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં અક્ષય અને ટાઈગર એકસાથે જોવા મળવાના છે. પ્રખ્યાત ગાયક-સંગીત સંગીતકાર એઆર રહેમાન અને ગાયક સોનુ નિગમ પણ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે.

IPL 2024ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત

નોંધનીય છે કે BCCIએ અત્યાર સુધી IPL 2024ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે, જે 7 એપ્રિલ સુધી રમાવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે લોકસભા ચૂંટણીની તારીખોની અપેક્ષાએ ઓછા દિવસોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. 17 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં BCCI ટૂંક સમયમાં બાકીની IPL મેચોના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. અટકળો શરૂ થઈ ગઈ હતી કે આઈપીએલનો બીજો તબક્કો વિદેશમાં યોજાઈ શકે છે. BCCI સચિન જય શાહે હાલમાં જ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને કહ્યું હતું કે, સમગ્ર IPL ભારતમાં જ થશે. બોર્ડ સંપૂર્ણ શેડ્યૂલ પર કામ કરી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં જાહેર કરશે.

Leave a Comment