પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી બહુમતે જીતી રહી છે. હાલ ચાર રાજ્યોના પરિણામો આવ્યા છે જેમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં આવતા પાંચ વર્ષ માટે ભાજપ સરકાર રહેશે. હવે દેશની અંદર બનતી આવી મોટી ઘટનાઓ પર શેરબજાર ચોક્કસપણે પ્રતિક્રિયા આપે છે. એવામાં નિષ્ણાતોનું માનવું છે કે આવનારો સમય બજાર માટે મજબૂત રહેવાનો છે, પરંતુ આવતીકાલ એટલે કે સોમવારે શેરબજારની શરૂઆત કેવી રહેશે?
આવતીકાલે શેરબજાર ઊંચે જશે, સ્થિર રહેશે કે ઘટશે? શું થશે એ નિશ્ચિતપણે કહી શકાય નહીં પરંતુ ઇતિહાસ પર નજર કરીએ તો ચૂંટણી પછી બજારે મિશ્ર વલણ અપનાવ્યું છે.
વર્ષ 2018 માં ચૂંટણી પછી કેવું રહ્યું હતું શેરબજાર
છેલ્લે 2018માં આ જ રાજ્યોમાં જ ચૂંટણી યોજાઈ હતી અને 11 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. આ ચૂંટણીઓમાં કોંગ્રેસનો દેખાવ ઘણો સારો રહ્યો હતો. કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહુમતી સાથે સરકાર બનાવી હતી. BRS એ તેલંગાણામાં સરકાર બનાવી અને મિઝોરમ નેશનલ ફ્રન્ટ (MNF) એ મિઝોરમમાં સરકાર બનાવી. ભાજપની હારને કારણે સેન્સેક્સમાં લગભગ 500 પોઈન્ટનો પ્રારંભિક ઘટાડો થયો હતો. જો કે, દિવસના અંત સુધીમાં લગભગ 190 પોઈન્ટ ઉછળીને રૂ. 35,150 પર બંધ થયું હતું.
2013 માં ચૂંટણી પછી કેવું રહ્યું હતું શેરબજાર
2013 સુધી તેલંગાણાની રચના થઈ ન હતી. તે સમયે દિલ્હીમાં અન્ય ચાર રાજ્યોની સાથે ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ 8મી ડિસેમ્બરે આવ્યું હતું. એ સમયે પરિણામ આવ્યું અને ત્રણ મોટા રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર બની હતી. બીજા દિવસે 9 ડિસેમ્બરના રોજ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.