મિડલ ક્લાસને 300 યુનિટ વીજળી મફત મળશે, પણ કઈ રીતે? શું છે સરકારનો પ્લાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ કહ્યું કે લોકોને 300 યુનિટ મફત વીજળી મળશે. આ સિવાય નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, કોરોના હોવા છતાં પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ થયું. તેમજ આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે.

નાણામંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને ભવિષ્યમાં સરકાર શું કામ કરશે તે વિશે જણાવ્યું હતું. નિર્મલા સીતારમણે કહ્યું, “અમારી સરકાર વિકાસને પ્રોત્સાહન આપે છે. દરેક ભારતીયની આકાંક્ષાને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કોરોનાના પડકારો હોવા છતાં, અમે ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ દેશના 1 કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.”

નોંધનીય છે કે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ લગભગ એક કરોડ ઘરો પર સૂર્યોદય યોજના હેઠળ સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે આ યોજનાનો સૌથી વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થશે. આ યોજનાથી લાખો ગરીબ લોકો તેમના વીજ બિલમાં ઘટાડો કરી શકશે અને આજે બજેટમાં પણ તેની જાહેરાત કરવામાં આવી હતી.

એક કરોડ ઘરોને મફત વીજળી પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે રૂપ ટોપ સોલર સ્કીમ હેઠળ એક કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. તેનાથી દેશમાં વીજળીની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ મળશે. મફત વીજળીનો આ લાભ તે 1 કરોડ પરિવારોને મળશે જેઓ સરકારની તાજેતરમાં જાહેર કરાયેલી નવી યોજના હેઠળ ઘરમાં સોલાર પેનલ લગાવે છે.

Leave a Comment