રાજસ્થાનના જયપુરમાં કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીના મર્ડર થયે 9 દિવસ થયાં છે, ઘણા આરોપીઓ પકડાયા છે અને નવા નવા ખુલાસા થયાં છે. શુટર રોહિત અને નીતિને હથિયારો પૂરા પાડનાર પૂજા સૈની નામની રાજસ્થાનની લેડી ડોન પણ પોલીસ કસ્ટડીમાં છે અને તેની આકરી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
વોન્ટેડ મહેન્દ્ર કુમાર મેઘવાલ 7 ઘાતક હથિયારો લઈને ભાગ્યો
રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ લોરેન્સ ગેંગના શૂટરોને હથિયારો સપ્લાય કરનારા વોન્ટેડ મહેન્દ્ર કુમાર મેઘવાલની ધરપકડ કરવા માટે 2 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. જોકે હવે મામલો NIA પાસે ગયો છે. ધરપકડ કરાયેલી લેડી ડોન પૂજા સૈનીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે વોન્ટેડ મહેન્દ્ર કુમાર AK-47 સહિત લગભગ 7 અત્યાધુનિક હથિયારો સાથે ભાગી ગયો હતો. NIA માટે પડકાર એ છે કે વોન્ટેડ મહેન્દ્રની ધરપકડ કરવી અને તેની પાસેથી AK-47 સહિતના અન્ય હથિયારો રિકવર કરવા અને વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર રોહિત ગોદારાની ધરપકડ કરવી અને નેપાળ ભાગી ગયેલા વોન્ટેડ વીરેન્દ્ર ચરણની ધરપકડ કરવી.
નીતિન ફોજીને પણ વાગ્યાં હતા ગોળીઓના છરા
ગોળીબાર દરમિયાન નીતિન ફૌજીના જેકેટ પર ગોળીના છરા વાગ્યાં હતા જેને કારણે આખું જેકેટ લોહીથી ખરડાઈ ગયું હતું. ભાગતાં સમયે વિરેન્દ્ર ચારણ સાથે વાત કરી તો તેણે હથિયાર ફેંકીને જેકેટ બદલાવી લેવાની વાત કરી હતી, વિરેન્દ્રના આદેશને માનીને નીતિને થોડે દૂર જઈને લોહીવાળું જેકેટ અને હથિયારો ફેંકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન બંને શૂટરો રોહિત રાઠોડ અને નીતિન ફૌજીએ જણાવ્યું કે સુખદેવ સિંહ ગોગામેડી ચૂંટણી પ્રચારના કારણે જયપુરથી બહાર ગયા હતા. વોન્ટેડ વિરેન્દ્ર ચારણની સૂચનાથી રોહિત રાઠોડ 20મી નવેમ્બરના રોજ નવીન શેખાવત સાથે ગોગામેડીના ઘરે રેકી કરવા ગયા હતા, તેઓ અંદરના રુમમાં પણ ગયા હતા, રુમની બહાર બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવ્યું હતું જેના દ્વારા જ બારણું ખુલતું હતું આવી અનેક વાતો તેમણે ધ્યાનમાં લીધી હતી. મર્ડરના પ્લાનમાં આ બધી વાતો તેમને કામ લાગી.
મતગણતરી સુધી રાહ જોઈ
જો અંદરના રૂમમાં હત્યા થઈ શકી હોત તો આરોપીઓ સીડી ચઢીને છત પરથી ભાગવાનો પણ પ્લાન કર્યો હતો. ચૂંટણીના કારણે પોલીસ બંદોબસ્ત ચાલી રહ્યો હતો. આ કારણોસર મત ગણતરીની રાહ જોવાઈ હતી. તેઓને ખબર પડી કે ગોગામેડી 4 ડિસેમ્બરે જયપુરમાં પાછા આવ્યાં હતા અને બીજા જ દિવસે તેમની હત્યા કરવા પહોંચીને હત્યા કરી નાખી, તેઓ બહારના રૂમમાં ગોગામેડીને મળ્યા, જેના કારણે બંને શૂટર્સને ભાગી જવાનું સરળ બન્યું.