દરેક લોકોનું સપનું હોય છે કે તે કરોડપતિ બની જાય પણ બધા લોકોનું આ સપનું પૂરું થઈ શકતું નથી. સામાન્ય રીતે લોકોને એ ખબર નથી હોતી કે કરોડપતિ બનવા માટે ક્યાં, કેવી રીતે અને કેટલું રોકાણ કરવું જોઈએ. જો કે રોકાણ કરવાનું નામ પડતાં જ લોકો કહે છે કે અમારી પાસે રોકાણ કરવા જેટલા પૈસા નથી, પણ આજકાલ રોકાણ કરવાના ઘણા વિકલ્પો આવી ગયા છે, જેમાં સામાન્ય રોકાણ કરીને પણ સારું વળતર મેળવી શકાય છે.
એટલે કે કોઈપણ વ્યક્તિ તેની દરરોજની ચા અને સીગરેટ પીવાની આદતને છોડી એ પૈસાનું રોકાણ કરી દે તો થોડા વર્ષોમાં કરોડપતિ બની શકે છે. ચાલો જાણીએ કેવી રીતે..
માની લો કે કોઈ વ્યક્તિ દિવસમાં ત્રણ સીગરેટ ફૂંકે છે અને આશરે તેના પર 60 રૂપિયા ખર્ચે છે. આ સિવાય ઓફિસ સમય દરમિયાન 3-4 કપ ચા પીવે છે અને તેના પર આશરે 40 રૂપિયાનો ખર્ચો કરે છે. એવામાં જો આ ચા-સિગરેટના દરરોજના ખર્ચને જોડી દઈએ તો એ વ્યક્તિ એક દિવસમાં લગભગ 100 રૂપિયા વાપરે છે એટલે કે મહિને 3000 રૂપિયા વાપરે છે. હવે કોઈ પણ વ્યક્તિ આટલા પૈસા બચાવી, તેનું રોકાણ કરીને કરોડપતિ બની શકે છે.
ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અનુસાર, જો રોજની ચા અને સિગારેટના પૈસાનું રોકાણ કરવામાં આવે તો લગભગ 30 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ જનરેટ થશે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે નોકરી શરૂ કર્યા પછી દર મહિને 3000 રૂપિયાની SIP શરૂ કરે છે, તો 30 વર્ષમાં કુલ 10.80 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ લાંબા ગાળાનું વળતર 12 ટકા છે. જો આ વળતર પરથી જોવામાં આવે તો નિવૃત્તિ સુધીમાં આ રોકાણ વધીને રૂ. 1,05,89,741 થશે. આ સમયગાળા દરમિયાન, રૂ. 95,09,741 માત્ર વ્યાજ તરીકે પ્રાપ્ત થશે.