તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે, નવા વર્ષમાં એટલે કે 2024માં દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ શકે છે. જે બાદમાં ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. આ તરફ હવે ગોલ્ડમેન સૅશે પણ આ અંગે ચેતવણી આપી છે. તાજેતરની ચર્ચાઓ વચ્ચે લાગતું હતું કે, લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે. જોકે હવે સંજોગો જોતાં એવું લાગતું નથી કે આગામી મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવા માટે સરકાર અને ઓઇલ કંપનીઓ વચ્ચે સહમતિ બને. સરકારનું આયોજન એવી રીતે નિષ્ફળ ગયું છે કે તેને સમજાતું નથી કે આગળ શું કરવું?
વાત જાણે એમ છે કે, ગોલ્ડમેન સૅશના અધિકારીઓની ચેતવણીએ ભારત સરકારને પરેશાન કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2024માં કાચા તેલની કિંમતો બમણી થઈ શકે છે. આ સ્થિતિ લાલ સમુદ્રના મોજાથી આવતા સંકટને કારણે છે. જ્યાં હુથી આતંકવાદી જૂથનું વર્ચસ્વ વધી રહ્યું છે. હુથીઓને ઈરાન તરફથી સતત સમર્થન મળી રહ્યું છે. તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે, ગોલ્ડમેન શૈક્સે દ્વારા આ બાબતે કેવા પ્રકારની ચેતવણી આપવામાં આવી છે?
ગોલ્ડમેન સૅશે શું આપી ચેતવણી?
ગોલ્ડમેન સૅશે ચેતવણી આપી છે કે, હૂથી બળવાખોરો હોર્મુઝની સ્ટ્રેટ સુધી પહોંચવાના કારણે તેલના ભાવ બમણા થઈ શકે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કંપનીના તેલ સંશોધન વિભાગના વડા ડેન સ્ટ્રુવેને જણાવ્યું હતું કે, લાલ સમુદ્ર એક પરિવહન માર્ગ છે. અહીં લાંબા સમય સુધી વિક્ષેપને કારણે કાચા તેલની કિંમતમાં 3 થી 4 ડોલરનો વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો હોર્મુઝ સ્ટ્રેટ એક મહિના સુધી બંધ રહેશે તો તેલના ભાવમાં 20 ટકાનો વધારો થશે અને જો ત્યાં લાંબા સમય સુધી સમસ્યા ચાલુ રહેશે તો કિંમતો બમણી પણ થઈ શકે છે. મતલબ કે કાચા તેલની કિંમત 155 થી 160 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
આ તરફ હાલમાં જ પૂર્વ વડાપ્રધાન અને હવે વિદેશ સચિવ ડેવિડ કેમરૂને એક ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હુમલાઓ રોકવા ખૂબ જ જરૂરી બની ગયા છે. તેમણે કહ્યું, આ માત્ર બ્રિટિશ હિત નથી, વૈશ્વિક હિત છે. તેમણે કહ્યું કે, આ હુમલાઓ ગેરકાયદેસર છે. તેમને રોકવા જ જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. નોંધનિય છે કે, નવેમ્બરથી બળવાખોરોએ મિસાઇલ, ડ્રોન, બોટ અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને 20 થી વધુ વખત લાલ સમુદ્રમાં વ્યાપારી શિપિંગ પર હુમલો કર્યો છે. યુએસએ ડિસેમ્બરમાં યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના જહાજો સહિત વ્યાપારી ટ્રાફિકને સુરક્ષિત રાખવા માટે લાલ સમુદ્ર અને એડનના અખાતમાં પેટ્રોલિંગ વધારવા માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયનની જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં ક્રિયાઓને કારણે તેલના ભાવમાં ક્યારેક ક્યારેક સાધારણ વધારો જોવા મળ્યો હતો, પરંતુ એકંદર નરમ બજારને કારણે અસ્થિરતા મોટે ભાગે ઓછી રહી હતી.
આ તરફ હવે વિશ્વના મોટા શિપર્સે આ માર્ગનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે. યુરોપની બે સૌથી મોટી શિપિંગ કંપનીઓ મેર્સ્ક અને હાપાગ લોયડે ગયા અઠવાડિયે અંતમાં બળવાખોરોએ જહાજ પર હુમલો કર્યા પછી લાલ સમુદ્ર અને સુએઝ કેનાલ માર્ગનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો.
ભારત પર શું પડશે અસર ?
જો ગોલ્ડમેન શૈક્સેની આગાહી સાચી પડી તો ભારત પર તેની ઊંડી અસર પડી શકે છે. માર્ચ 2022માં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કિંમતો ફરી એકવાર વધી શકે છે. તે સમયે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 140 ડોલરની આસપાસ પહોંચી ગઈ હતી. આ વખતે તે વર્તમાન સ્તરથી બમણા એટલે કે $155 થી $160 સુધી પહોંચવાની ધારણા છે. મતલબ કે દેશના તમામ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા સ્તરે પહોંચશે. જેના કારણે દેશમાં મોંઘવારી વધશે.
અત્યારે શું છે ક્રૂડ ઓઈલના ભાવ ?
અત્યારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની નીચે છે. તેનું મુખ્ય કારણ માંગનો અભાવ છે. ખાડી દેશોમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 78.76 ડોલર પર ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલની કિંમત 73.81 ડોલર પ્રતિ બેરલ છે. આ બંનેમાં 26 ડિસેમ્બરથી બેરલ દીઠ 5 થી 7 ટકાનો વધારો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં આમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહે છે કે મધ્ય પૂર્વના તણાવ અને લાલ સમુદ્રની કટોકટી ક્રૂડ ઓઈલના ભાવને ક્યાં સુધી લઈ જશે.