ગુજરાત પર વાવાઝોડાનું સંકટ: દરિયાકિનારાઓ પર ઍલર્ટ, 1 નંબરના સિગ્નલ લગાવાયા, જાણો હાલ શું છે વાવાઝોડાનો રૂટ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ: દરિયાકિનારાઓ પર ઍલર્ટ, 1 નંબરના સિગ્નલ લગાવાયા, જાણો હાલ શું છે વાવાઝોડાનો રૂટ-અત્યાર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર પૂરેપૂરો જામ્યો છે. બીજી તરફ વાવાઝોડા ‘તેજ’નું સંકટ આવવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે અમદાવાદ માટે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી કરી હોઈ ખેલૈયાઓના નવરાત્રીના રંગમમાં ભંગ પડવાનો નથી. જોકે ગુજરાતના માથે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટને જોતાં હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.

ગુજરાતના બંદરો પર 1 નંબરના સિગ્નલ લગાવાયા

ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો હોવાથી દરિયાકાંઠે બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદર પર 1 નંબરના સિગ્ન લગાવાયા છે. આપને જણાવી દઈએ કે, હાલ સંભવિત વાવાઝોડાનો રૂટ ઓમાન તરફ છે.

બિપરજોયની જેમ બદલી શકે છે માર્ગ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘તેજ’ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે.

ડબલ ઋતુના કારણે વધ્યું માંદગીનું પ્રમાણ

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં નવરાત્રીની રઢિયાળી રાતોની રોનક છવાઈ ગઈ છે. વરસાદ પડવાની લેશમાત્ર ભીતિ ન હોઈ યુવાધન હિલોળે ચઢ્યું છે. જોકે, હવે અમદાવાદ સહિત કેટલાક શહેરોના વાતાવરણમાં વહેલી સવારે આછી-પાતળી ઠંડી વરતાઈ રહી છે. હવામાનમાં શિયાળો અને ઉનાળો એવી મિશ્ર ઋતુ લોકો અનુભવી રહ્યા છે. ડબલ સિઝનના કારણે માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલ તાવ, શરદી, અને ખાંસી જેવા રોગના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે.

Leave a Comment